બટાકા ૧૦રૂપિયે કિલો- એક અશક્ય પ્રણય કહાની



અંશ ૧





રોજ એ અહીંથી નીકળતી. હાથમાં શાકભાજીની થેલી, સીધી ચાલ,સાદો (મેકઅપ વગરનો) ગંભીર તેનો ચહેરો, મોઢા પર કોઈ વિવિધ હાવભાવ નહી. એ જ જૂની ગુજરાતી સ્ટાયલનો ડ્રેસ અને ખાલી નામ પૂરતો રાખેલો ગળા પર દુપટ્ટો. ક્યારેક ક્યારેક દુપટ્ટો સરખો કર્યા કરતી. પોતાના કામથી કામ રાખતી, ક્યાંય આજુ-બાજુ નજર ન નાખતી. સરળ-સીધી રીતે આવતી, સામાન લેતી અને તીરની માફક રસ્તા પર નઝાકત અને સુંદરતાનુ અજવાળુ વેરતી જતી રહેતી.

સાંજના ૫:૫૫ કે ૬:૦૨ મિનિટે આવવાનો તેનો નિયમિત ક્રમ. હું તેને જોયા કરુ. મારા કપાળે બાંધેલો લાલ-સફેદ રંગનો રૂમાલ ક્યારેક એને જોઈને સરી જતો. ક્યારેક હુ મોટેથી બૂમ પાડુ તો તે મારી સામે જોતી અને પછી જતી રહેતી. મારા મોઢામાં ગુટખા, શર્ટના પહેલા બે બટન ખુલ્લા, કોલર ઉંચા, હાથ પર ૐ કરેલુ ટેટૂ, આંગળીઓમાં સાદી વીંટીઓ, થોડુ મેલું જીન્સનુ પેન્ટ, તળીએથી તરડાઇ ગયેલા જાડા ચપ્પલ અને ખિસ્સામાં ચાકુ. એની સામે દેખાવડો થવા, શરીફ થવા ક્યારેક હું કપાળ પરથી રૂમાલ હટાવી લઉ, કોલર નીચે. કરી લઉ, શર્ટના બટન બંધ કરી લેતો પણ તે કદી આ બધુ નોટિસ ન કરતી કે કદી મારી સામે પણ ન જોતી.

ભાનુ કાળિયો. મારો દોસ્ત મારો સાથી, મારી સાથે બેસ્તો. (ભાનુ કાળિયો ૧૨ વર્ષનો જાડીયો તોફાની છોકરો છે.) હું તેને જોઈ રહ્યો હોવ ત્યારે ભાનુ હંમેશા મને ટોકતો કે “તારુ કામ કર, આવી છોડીઓ તારા જેવા સડકછાપને ભાવ ન આપે.” હું સાંભળી લેતોભાનુને કઈ જવાબ ન આપતો. જ્યારે તે જતી રહેતી અને હું તેને જોયા કરતો હોવ, ભાનુ વિમલના પૈસા માંગતો મારી પાસે એમ કહેતા કે “ઘર સુધી મૂકવા જઈશ કે શું?,“શું તાકી રહ્યો છે એને?”,“નથી જોવાની એ તારી સામે લાવ, વિમલના પૈસા.” આવુ બધુ તે કહેતો અને મારા શર્ટના ખિસ્સામાંથી પૈસા લઈ જતો.

એક દિવસ ભાનુ કાળિયો મને ખીજવીને ભાગ્યો, મને ગુસ્સો આવ્યો. હું એને મારવા એની પાછળ દોડ્યો. મારૂ તરડાઇ ગયેલુ એક ચપ્પલ મેં દોડતા-દોડતા ભાનુ કાળિયા તરફ છૂટું ફેંકયુ. ભાનુ કાળિયાને ચપ્પલ બરડા પર વાગ્યુ. તે દોડતા-દોડતા પાછળ મારી સામે જોઈ રહ્યો હતો. આગળ રિક્ષા ઊભી હતી. તે એની સાથે ભટકાયો અને નીચે પડ્યો. હું દોડતો ગયો અને એની ફેંટ પકડી. મારૂ બીજુ ચપ્પલ મેં હાથમાં લીધુ અને ભાનુ કાળિયાના ગાલ પર ફેરવીને હું મારૂ..

એના પહેલા મારી નજર તેના પર પડી. તે મારી સામે જોઈ રહી હતી. મારૂ ધ્યાન તેના પર જતા હું પૂતળાની જેમ ચોંટી ગયો. વ્યાકુળ અને થોડી વધારે ગંભીર મુદ્રામાં તે ઊભી રહી ગઈ હતી. (ખરેખરમાં બધા ઊભા રહી ગયા હતા) પણ મારૂ ધ્યાન તેના પર જ હતુ. મારા પગમાંથી જાન જતી રહી હોય એમ લાગ્યુ, મારે ત્યાંથી ભાગી જઉ હતુ પરંતુ મારા પગ ન ઉપડ્યા. એવી શરમજનક હરકત મેં કરી હતી કે હું તેની આગળ ભોંઠો પડી ગયો. મને પસ્તાવો થવા લાગ્યો કે આવુ ન હતુ કરવાનુ. મને ત્યાંથી ભાગી જવા મન થયુ પણ હું ભાગ્યો નહીં તેની સામે જોઈ રહ્યો. આ ગડમથલમાં ભાનુ ક્યારે તેની ફેંટ છોડાવી જતો રહ્યો એની પણ ખબર મને ન રહી. બે ઘડી તે મારી સામે જોઈ રહી અને પછી ચાલવા લાગી.

ભાનુ કાળિયો દોડતો ભાગી ગયો. તેની વિરુદ્ધ દિશામાં તે ચાલતી જઈ રહી હતી. હું હજુ પણ તેની સામે જોઈ રહ્યો હતો, ખબર નહીં હું શુ અનુભવી રહ્યો હતો. બસ, હું એને તાકી રહ્યો. ભાનુ કાળિયો મારાથી ૨૦ કદમ દૂર ઊભો હતો. એણે રસ્તાની બાજુમાં ખુલ્લી ગટર હતી, એ કાદવમાંથી રીંગણુ ઉઠાયુ અને મારી તરફ ફેંકયુ. મારૂ ધ્યાન હજુ તે જઈ રહી હતી તેના પર હતુ. મારા માથે “થપ...” કરતો અવાજ આવ્યો. કાદવના ત્રણ-ચાર છાંટા ઊડ્યા, કીચડના પાણીનો એક રેલો મારા માથાથી નીચે ઉતર્યો. હવે હું સભાન થયો, મેં જોરથી બૂમ નાખી: “ભાનુ...” અને હું તેને મારવા પાછળ દોડ્યો.

એ પછી બે-ત્રણ દિવસ તે દેખાઈ નહી. હું તેની વાટ જોતો પણ તે ન આવી. એક-બે વાર હું મોટા બજારમાં પણ જોઈ આવતો પરંતુ તે ત્યાં પણ દેખાઇ નહી. તેના ઘરથી મોટુ બજાર નજીક પડતુ તેમ છતા તે બકાલુ લેવા નાના બજાર આવતી. આમ, એક અઠવાડિયુ વીતી ગયુ. એ ન દેખાઈ. ત્યાર બાદ બીજા ત્રણ દિવસ પછી મેં એને જોઈ. મને થોડી ખુશી થઈ. ગુજરાતી ડ્રેસ નહી તેણે સાડી પહેરી હતી. તે કોઈકની સાથે આવી હતી. તે બાઇક પર કોઈક ની પાછળ બેશી હતી. એ જે રીતે બાઇક પર એ માણસની પાછળ બેશી હતી એ જોઈને મને થોડી ઈર્ષ્યા(જેલસિ) થઈ. હું જ્યાં ઊભો હતો ત્યાંથી થોડે આગળ એક કાપડની દુકાને તે ગઈ.

ખબર નહી કેમ પણ મને એ બાઇકવાળાને જોઈને અજુગતુ લાગતુ હતુ. એક અજાણ્યો ગુસ્સો એને જોઈને મારામાં ઉત્પન્ન થતો હતો. થોડીવાર પછી તે બ્હાર આવી. તેના હાથમાં કાપડ હતુ. તેણે કાપડ પહોળુ કરી થોડુ સાડીની જેમ વીંટીને બાઇકવાળાને બતાવ્યુ. બાઈકવાળાએ કાપડ જોવાના બહાને કાપડ પર હાથ ફેરવ્યો. ના, તેના શરીર પર અને તેની કમર પર હાથ ફેરવ્યો. તે અંદર ગઈ. આ જોઈ મને ખૂબ જ ગુસ્સો આવ્યો. મારા ખીચામાં જે ચાકુ હતુએનો અણીદાર ભાગ મેં દબાવ્યો. કેમ ખબર નહીં પરંતુ જેટલુ દર્દ હાથમાં ન હતુ થતુ એટલુ દિલમાં થઈ રહ્યુ હતુ.

તે બ્હાર આવી, બાઈકવાળા માણસ પાસેથી પૈસા લઈ ફરી તે દુકાને ગઈ. મને ગુસ્સો આવ્યો, મેં મારા ખીચામાંથી ચપ્પુ કાઢ્યુ. હું ઊભો થયો. એ બાઈકવાળો માવો ઘસી રહ્યો હતો. તેણે માવો ખાધો. તે દુકાનની બ્હાર આવી. હું બાઈકવાળાની પાસે ગયો. મેં એની બોચી પકડી એને બાઇક પર થી ખેંચ્યોએનુ બાઇક નીચે પડ્યુ, એ થોડો ઢસડાયો. તે મારી સામે જોઈ રહી હતી. તે એટલી ગંભીર થઈ ગઈ હતી કે તેના ગાલ લાલ થઈ ગયા. તેની આંખો પહોળી થઈ. હું એ બાઈકવાળાને ઢસડીને રોડની વચ્ચે લઈ આવ્યો અને એના ગળા પર ચપ્પુ ફેરવી નાખ્યુ... !!!

એવુ કરવાનુ હું વિચારી જ રહ્યો હતો એટલામાં એ મારી તરફ આવતી દેખાઇ. તેણે એ બાઇકવાળાને કાપડની થેલી આપી અને શાકભાજીની થેલી લઈ મારા તરફ આવી. મેં નજર ફેરવી લીધી. એ છેક મારા સુધી આવી ગઈ. ભાનુ લારી નીચેની બટાકાની પેટી કાઢી બટાકા સાફ કરી રહ્યો હતો. તે ઊભી રહી, એક ક્ષણ મને જોઈ રહી અને બોલી: “શું ભાવે આપ્યા બટાકા ?”
મેં કહ્યુ: “બટાકા ૧૦ રૂપિયે કિલો.”

*

અંશ ૨


હું ભાવહીન બની તેને જોઈ રહ્યો, તે મારી સામે જોઈ રહી. ન મેં બટાકા વીણ્યા, ન એણે વીણ્યા. પાછળ પેલો બાઈકવાળો હોર્ન મારવા લાગ્યો, પીંપીંપીંપીં... અને બોલ્યો: “કેટલી વાર?”
તે બોલી: “આવી.” અને બટાકા વીણવા લાગી.
હું બોલ્યો: “મોટાભા પોંચ મિનટ ખાલી, ભાભી બટાકા વીણી લે એટ્લે આલી દાવ તમને.” તે મારી સામે જોઈ રહી.

મારે એવુ ન હતુ બોલવુ પરંતુ ખબર નહીં એકાએક મારા મોઢામાંથી એ શબ્દો સરી પડ્યા. એણે બટાકા વીણીને મને આપ્યા અને વિષાદ ભાવે બોલી: “ મારા લગ્ન નથી થયા એની સાથે.” એટલુ બોલી અને તેના ડાબા હાથની વચ્ચેની આંગળીમાં પહેરેલી વીંટી બતાવી. થોડીક હળવાશ મેં અનુભવી. મારા ચહેરા પર આછુ સ્મિત આવ્યુ, જે પેલા બાઈકવાળાની સામે જોતા વિસરાઈ ગયુ. મેં બટાકા થેલીમાં ભરી તેને આપ્યા.

તેણે તેના બ્લાઉસમાંથી પાકીટ કાઢ્યુ અને મને ૧૦ની નોટ આપી ત્યાંથી જતી રહી. ભાનુ કાળિયો મારી સામે જોઈ રહ્યો હતો. નોટ પરના કોરા ભાગ પર એક મોબાઈલ નંબર લખ્યો હતો. તે બાઇક પર બેશી ગઈ. મેં તેની સામે જોયુ. જતા-જતા તે મારી સામે હળવું સ્મિત કરતી ગઈ. મેં ભાનુને એ ૧૦ની નોટ આપી અને કહ્યુ: “જા... બે વિમલ લેતો આવ!!!”

                આવી પ્રેમ કહાનીઓ કેમ આગળ નથી વધતી કે કેમ આગળ નથી વધી શકીએ માટેના કેટલાક સવાલ છે જેના જવાબ જો તમારી પાસે હોય તો મને જણાવવા વિનંતી. આ સવાલો એક કાવ્યના સ્વરૂપે રજૂ કરુ છુ...
મારા જેવા કેટલાઓની લવ સ્ટોરી,
આવી રીતે અટકી હશે ? ખબર નહીં.

શું બટાકાના ભાવના કારણે?
શું ગુટખાના કારણે? ખબર નહીં.

કોના લીધે અટકતી હશે?
પેલા બાઈકવાળાના કારણે? ખબર નહીં.

આ ભીડ કે લોકોના કારણે?

ભાનુ કાળિયા જેવા લોકોના કારણે?
મારા અહંકારના કારણે ??? ખબર નહીં.

મને ખબર એટલી જ કે મારી અને એની આંખો વચ્ચે,
 થયેલા એ હજારો મૌન સંવાદોએ અમારો એક સ્વપ્ન મહેલ ઊભો કર્યો હતો.

અને આખરે વિચારુ છુ શું એ રીતે મારી સામે જોઈ,
જે સપના મેં એની સાથેના ફક્ત નજરોથી કલ્પ્યા હતા,
એ સપનાઓ એણે પણ કલ્પ્યા હશે ?   ખબર નહીં.

જે રીતે મેં અત્યારે આલેખ્યુ એનીસાથે રહેવાનુ,
એવુ કઈક એણે પણ મારા વિશે વિચાર્યુ હશે???
ખબર નહીં.
-     કીર્તિ

Comments