બટાકા ૧૦રૂપિયે કિલો- એક અશક્ય પ્રણય કહાની
અંશ ૧ રોજ એ અહીંથી નીકળતી. હાથમાં શાકભાજીની થેલી , સીધી ચાલ , સાદો (મેકઅપ વગરનો) ગંભીર તેનો ચહેરો , મોઢા પર કોઈ વિવિધ હાવભાવ નહી. એ જ જૂની ગુજરાતી સ્ટાયલનો ડ્રેસ અને ખાલી નામ પૂરતો રાખેલો ગળા પર દુપટ્ટો. ક્યારેક ક્યારેક દુપટ્ટો સરખો કર્યા કરતી. પોતાના કામથી કામ રાખતી , ક્યાંય આજુ-બાજુ નજર ન નાખતી. સરળ-સીધી રીતે આવતી , સામાન લેતી અને તીરની માફક રસ્તા પર નઝાકત અને સુંદરતાનુ અજવાળુ વેરતી જતી રહેતી. સાંજના ૫ : ૫૫ કે ૬:૦૨ મિનિટે આવવાનો તેનો નિયમિત ક્રમ. હું તેને જોયા કરુ. મારા કપાળે બાંધેલો લાલ-સફેદ રંગનો રૂમાલ ક્યારેક એને જોઈને સરી જતો. ક્યારેક હુ મોટેથી બૂમ પાડુ તો તે મારી સામે જોતી અને પછી જતી રહેતી. મારા મોઢામાં ગુટખા , શર્ટના પહેલા બે બટન ખુલ્લા , કોલર ઉંચા , હાથ પર ૐ કરેલુ ટેટૂ , આંગળીઓમાં સાદી વીંટીઓ , થોડુ મેલું જીન્સનુ પેન્ટ , તળીએથી તરડાઇ ગયેલા જાડા ચપ્પલ અને ખિસ્સામાં ચાકુ. એની સામે દેખાવડો થવા , શરીફ થવા ક્યારેક હું કપાળ પરથી રૂમાલ હટાવી લઉ , કોલર નીચે. કરી લઉ , શર્ટના બ...